બોમ્બે હાઈકોર્ટે મંગળવાર, 4 માર્ચે સેબીના ભૂતપૂર્વ ચેરપર્સન માધબી પુરી બુચ અને અન્ય પાંચ અધિકારીઓ સામે એફઆઈઆર દાખલ કરવાના વિશેષ અદાલતના આદેશ પર ચાર સપ્તાહનો સ્ટે મૂક્યો હતો અને જણાવ્યું હતું કે સ્પેશ્યલ કોર્ટે યાંત્રિક રીતે આ આદેશ આપ્યો હતો. અગાઉ શેરબજારમાં ફ્રોડ અને નિયમોના ઉલ્લંઘનના કનેક્શનમાં સ્પેશ્યલ કોર્ટે ફરિયાદ દાખલ કરવાનો આદેશ આપ્યો હતો.
જસ્ટિસ શિવકુમાર દિગેની સિંગલ બેન્ચે જણાવ્યું હતું કે 1 માર્ચના સ્પેશિયલ કોર્ટના આદેશમાં આ મામલે આરોપીઓની કોઈ ચોક્કસ ભૂમિકાનો ઉલ્લેખ નથી.તેથી આદેશ સામે આગામી તારીખ સુધી સ્ટે આપવામાં આવે છે. કેસમાં ફરિયાદીને (સપન શ્રીવાસ્તવ) અરજીઓના જવાબમાં તેનું સોગંદનામું દાખલ કરવા માટે ચાર અઠવાડિયાનો સમય આપવામાં આવે છે.
ગયા વર્ષના ઓગસ્ટમાં અમેરિકા સ્થિત શોર્ટ સેલર હિન્ડનબર્ગના હિતોના ટકરાવના આરોપનો સામનો કરનારા માધવી બુચે હજુ શુક્રવારે જ સેબીના વડા તરીકેનો ત્રણ વર્ષનો કાર્યકાળ પૂર્ણ કર્યો હતો.
સ્પેશિયલ ACB કોર્ટના જજ શશિકાંત એકનાથરાવ બાંગરે શનિવારે આપેલા આદેશમાં જણાવ્યું હતું કે નિયમનકારી ક્ષતિઓ અને મિલીભગતના પ્રથમદર્શી પુરાવા છે, જેના માટે નિષ્પક્ષ તપાસ જરૂર છે.આરોપો એક ગંભીર ગુનાનો સંકેત આપે છે અને તેની તપાસ જરૂરી છે. તપાસ એજન્સીઓ અને સિક્યોરિટીઝ એન્ડ એક્સચેન્જ બોર્ડ ઓફ ઈન્ડિયા (સેબી)ની નિષ્ક્રિયતાને કારણે CrPC (ક્રિમિનલ પ્રોસિજર કોડ)ની જોગવાઈઓ હેઠળ ન્યાયિક હસ્તક્ષેપ જરૂરી છે.
માધવી બુચ ઉપરાંત કોર્ટે BSEના મેનેજિંગ ડિરેક્ટર અને ચીફ એક્ઝિક્યુટિવ ઓફિસર સુંદરરામન રામામૂર્તિ, તેના તત્કાલીન ચેરમેન અને જાહેર હિતના ડિરેક્ટર પ્રમોદ અગ્રવાલ તથા સેબીના પૂર્ણકાલિન ત્રણ સભ્યો અશ્વની ભાટિયા, અનંત નારાયણ જી અને કમલેશ ચંદ્ર વર્શ્નેય સામે પણ ફરિયાદનો આદેશ આપ્યો હતો. કોર્ટે જણાવ્યું હતું કે તે તપાસ પર નજર રાખશે. કોર્ટે 30 દિવસમાં સ્ટેટસ રીપોર્ટ પણ માંગ્યો છે